જાંબુરના અભણ હીરબાઇ પ્રખ્યાત છે દેશવિદેશમાં
ગીરના જાંબુર ગામના સીદી જાતિના હીરબાઇ અભણ હોવા છતાં તેમના કાર્યો થકી દેશવિદેશમાં પ્રખ્યાત છે.
સૌરાષ્ટ્રના ગીર પંથકમાં વનરાજ સિંહનું રાજ પ્રવર્તે છે. ગીરના સિંહ જેટલા દેશ-વિદેશમાં પ્રખ્યાત છે, તેટલા જ ગીરના જાંબુર ગામના હીરબાઇ લોબી પણ પોતાની આગવી પ્રતિભાને લીધે પ્રસિદ્ધ છે. હીરબાઇ લોબી સીદી જાતિના અભણ અને ગરીબ ઘરમાં જન્મેલાં. બાળપણ ઘણી તકલીફો વચ્ચે વીત્યું. ચાર વર્ષની ઉંમરે માતાનું મૃત્યુ થયું અને ચૌદ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી દીધી. દાદી પાસે રહીને ઉછયાઁ. તેમની સીદી જાતિમાં પુરુષો પણ ભણે નહીં. ગરીબી, બેરોજગારી અને દારૂનું સેવન સામાન્ય બાબત ગણાય. એવામાં હીરબાઇના લગ્ન થયાં પણ પરિસ્થિતિમાં કશો જ ફરક ન પડ્યો. હીરબાઇને પિતા તરફથી વારસામાં અડધો એકર જમીન મળી હતી, પરંતુ ગામમાં બીજાની જેમ તેમને માથે પણ એક લાખ રૂપિયાનું દેવું હતું. જોકે હીરબાઇમાં નામ પ્રમાણે હીર હતું.
અભણ હોવા છતાં તેમનામાં દૂરંદેશીતા હતી એટલે સખત મહેનત અને ખેતી કરી દેવું વાળ્યું. પોતાની જાતને સદ્ધર બનાવી. હીરબાઇએ આટલેથી અટકી ન જતાં પોતાના સમાજની અનેક બહેનો અને છોકરાઓને સદ્ધર બનાવવાનું બીડું ઝડપ્યું. દેખાવે સાધારણ, અભણ હીરબાઇ આજે ૫૫ વર્ષની ઉંમરે ભણેલી બહેનોને શરમાવે તેટલા કામ કરે છે. સવારે પાંચ વાગે ઊઠીને ઘરના કચરા-પોતાં કરે, રસોઇ બનાવે, પોતાની ખેતીના કામ કરવાના પછી શરૂ થાય સમાજના કામ... કાઠિયાવાડી ગુજરાતીમાં હીરબાઇ કહે છે, ‘કામ કરતાં મને ક્યારેય થાક લાગતો નથી. મારા કામ નો થાય તો હાલે, પણ મારી પાંહે જે કોઇ આવે તેનું કામ થાવું જ જોહે. અને ભગવાનની મહેર છે કે લોકોના કામ તત્કાલ થાય છે.’
જાંબુર ગામમાં પહેલાં શાળા નહોતી અને ખાસ કંઇ કામધંધોય નહોતો. હીરબાઇની દૂરંદેશીતાથી આજે ગામમાં આંગણવાડી, શાળા અને કોલેજ પણ છે. બીજું કોઇ કામ કરે તેની રાહ જોવામાં હીરબાઇ માનતાં નથી. તેમના આદિવાસી મહિલા સંગઠન સાથે આજે ૯૦૦ જેટલી બહેનો સંકળાયેલી છે અને તેનાથી વધુ બહેનોને હીરબાઇએ પગભર કરી છે. ગિરનાર પંથકમાં કેસર કેરીનું અભૂતપૂર્વ વાવેતર... કેરી એક્સપોર્ટ તો થાય જ, પણ તેના રસને પણ ડબામાં પેક કરવાનું કામ શરૂ કરાવ્યું. ઓર્ગેનિક ખાતર બનાવવાનું કામ તો મોટા પાયે બહેનો કરે છે.
તેમના ખાતરની કવોલિટી એવી કે તેની માગ વધતી જ જાય છે. સસ્તા ભાવે સારું બિયારણ લોકોને મળે તેનું કામ પણ શરૂ કરાવ્યું. પશુપાલન, ડેરી ઉદ્યોગ આમ ગામમાં રહીને થઇ શકે એવા અનેક રોજગાર તેમણે બહેનો માટે શરૂ કરાવ્યા. ફકત જાંબુર ગામ જ નહીં, આસપાસના ૧૯ ગામની બહેનો માટે હીરબાઇ કામ કરી રહ્યાં છે. આવાં અશિક્ષિત, ગરીબ હીરબાઇને આવી સમજ કેવી રીતે આવી? એવું પૂછ્યું તો હસીને કહે, ‘બહેન, મારી દાદી પાસેથી... મારી દાદીએ એક વાત મને ગાંઠે બંધાવેલી કે કોકના ભલામાં આપણી ભલાઇ છે.
બસ, આજે એ જ વાક્ય મારા મનમાં સતત ઘૂમરાતું રહે છે અને સાચું કહું મને અશિક્ષિત રહ્યાનો કોઇ અફસોસ નથી.. કદાચ હું ભણી હોત તો બીજાનો વિચાર કરત કે નહીં તે ખબર નથી. પણ ભણી નથી એટલે મારા છોકરા ભણે, બીજાના છોકરા ભણે એવા વિચાર સતત આવે. પોતાના માટે તો સૌ કોઇ ખાય, પણ બીજા ખાય ને આપણું પેટ ભરાય ત્યારે ખરું. આ વિચારો મને દાદી પાસેથી મળ્યા અને મારાથી થાય એટલું કામ કરું છું. મને તો ક્યારેક લાગે કે હું કોઇ કામ કરતી જ નથી. તમે કયો ત્યારે તમારી સાથે વાત કરવા નવરી.’ કહેતાં હીરબાઇ સહજતાથી હસી પડે છે.
હીરબાઇ પોતે કોઇ માલિકીભાવથી કે જાતિધર્મના ભેદભાવથી કામ નથી કરતા. તેમની પાસે આવતી બહેનોને તેઓ પોતાની રીતે સદ્ધર બનાવી કામ કરતી કરી વિકાસ માટે મુકત કરે. આસપાસના અનેક ગામોમાં સફળ રીતે વ્યવસાય કરતી બહેનોની કહાણી જાણવા મળે અને તેમનું પીઠબળ હોય હીરબાઇ લોબી. જિલ્લા સ્તરે તેમની સલાહ લેવાય. કૃષિ હોય કે ડેરી ઉદ્યોગ કે વિકાસના કાર્ય - તેમની પાસે માહિતી અને જ્ઞાન હોય જ.
ગામમાં સ્વચ્છતા, ફેમિલી પ્લાનિંગના કાર્યો સાથે કો-ઓપરેટિવ સ્ટોર્સ પણ શરૂ કર્યો. હીરબાઇના મતે વિકાસ એટલે ફકત પૈસા કમાવા નહીં, પરંતુ તમામ ક્ષેત્રે જીવનધોરણ સુધરવું જોઇએ. તેમને દેશ-વિદેશમાં લોકો વકતવ્ય આપવા માટે બોલાવે છે અને અનેક એવોર્ડથી તેમનું સન્માન થયું છે. તેમની મહત્વાકાંક્ષા છે કે તેમની સીદી જાતિના બાળકો રમતગમત ક્ષેત્રે પણ દેશનું નામ રોશન કરે. તાલીમ વર્ગો અને સ્પોર્ટ્સ સંકુલ ગામડાઓમાં હોવાં જોઇએ તેવી એમની ઇચ્છા છે. હીરબાઇની સમાજ માટે કામ કરવાની ધગશ જોઇને સ્ત્રી તરીકે મસ્તક ગર્વોન્નત થયા વિના ન રહે.
આજની નારી, દિવ્યાશા દોશી
No comments:
Post a Comment